33

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇને હંમેશાં ચર્ચામાં બની રહે છે. તાજતેરમાં પણ તેમણે કઇંક આવું જ નિવેદન આપી વિવાદને જન્મ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરતા જોઈને ચીન હવે પછી તાઈવાન પર હુમલો કરશે.
રાષ્ટ્રપતિ શી પાસે ઉચ્ચ બુદ્ધિમત્તા
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયન હુમલાથી ખૂબ જ ખુશ દેખાયા હોય તેવું લાગી રહ્યું છે. ફોક્સ બિઝનેસ સાથે ખાસ વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ચીન જોઈ રહ્યું છે કે અમેરિકા કેટલું મૂર્ખ છે. તેમાં કોઈ શંકા નથી કે તેઓ તાઈવાન પર હુમલો કરવા જઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પર પ્રહાર કરતા તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ શી પાસે ઉચ્ચ બુદ્ધિમત્તા છે. તેમણે અફઘાનિસ્તાનમાં શું થયું તે પણ જોયું છે. તેમણે જોયું છે કે આપણે અફઘાનિસ્તાન છોડી દીધું. અમેરિકન નાગરિકો ત્યાંથી નીકળી ગયા, જેઓ હજુ પણ ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.” ટ્રમ્પે કહ્યું કે, યુક્રેને રશિયા સામે ખૂબ જ સારી લડાઈ લડી છે, જે મોટાભાગના લોકો વિચારે છે તેના કરતા વધુ સારી છે.
ટ્રમ્પે પુતિનના વખાણ કર્યા
ટ્રમ્પે કહ્યું, “ઘણા લોકો મરી રહ્યા છે. અમે આને થવા દઈએ છીએ. જો હું હજુ પણ રાષ્ટ્રપતિ હોત, તો આવું ક્યારેય ન બનતું. આવું ક્યારેય ન થવું જોઈએ. પુતિને મારી સાથે આવું ક્યારેય ન કર્યું.” ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમણે યુક્રેનને ટેન્ક વિરોધી મિસાઈલો આપી છે. બાઇડેને આવા બહુ ઓછા પગલા લીધા છે. અગાઉ ટ્રમ્પે પુતિનના વખાણ કર્યા બાદ રિપબ્લિકનનો એક વર્ગ ગુસ્સે થયો હતો. જોકે હવે તેઓએ રસ્તો બદલી નાખ્યો છે. તેઓ પુતિનની કોઈ સીધી પ્રશંસા કે ટીકા કરવાનું ટાળી રહ્યા છે.
ઝેલેન્સીકીથી પ્રભાવિત થયા ટ્રમ્પ
તેમના તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમને ઝેલેન્સકીની યુદ્ધ સમયની વીરતાનું પ્રારંભિક સંસ્કરણ જોવા મળ્યું. ટ્રમ્પે કહ્યું, “હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. મેં ઘણા લોકોને કહ્યું છે. હું ખૂબ પ્રભાવિત થયો છું.”