અહેવાલઃ વિજય માલી, પાદરા
આજે દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે પાદરા તાલુકામાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે જ્યાં પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રણ બાળકીઓને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો બતાવ્યા હોવાનો આરોપ બાળકીઓએ લગાવતા ગામમાં હડકંપ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ વાલીઓને થતા જ ટોળેટોળા પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા,અને આચાર્યને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે પાદરાના વડુ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચીને ટોળા માંથી શાળાના આચાર્યને બચાવી તેને પોલીસ મથક લઇ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાદરા તાલુકાના અભોર ગામે પણ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા શાળામાં જ અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો તેમજ ફોટો બતાવ્યા હતા. આચાર્યની આ હરકત જોઈને વિદ્યાર્થીનીઓ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક ગામમાં જઈને માતાપિતાને જાણ કરી હતી.
શાળાના આચાર્યની આવી હરકતથી રોષે ભરાયેલા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા. અને વડુ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. વડુ પોલીસ પહોંચે તે પહેલાં જ રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. અને મારતા મારતા ગામમાં સરઘસ પણ કાઢ્યું હતું. એટલામાં પોલીસ આવી પહોંચતા આચાર્યને ટોળા માંથી બચાવી લઈને અટકાયત કરી હતી.
સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકીઓને પૂછતાં તેઓએ આખી ઘટના વર્ણવી હતી જયારે વિફરેલા ગ્રામજનોએ શાળાના અન્ય સ્ટાફનો ઘેરાવો કરીને આચાર્યના આવા વર્તન માટે જવાબો માંગ્યા હતા. કેટલાક સ્ટાફે લંપટ આચાર્ય મહેન્દ્રભાઈના આવા વર્તનની સાક્ષી પુરી હતી મહિલા શિક્ષકો સાથે પણ ગેરવર્તન થતું હોવાની વાતને સહમતી આપી હતી.