44

પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન પીડીએમ (પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ)ના વડા અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાને મહત્વનું નિવેદન આપ્યું. રવિવારે તેઓએ કહ્યું હતું કે, નિયંત્રણ રેખાની બંને બાજુએ ઈમરાન ખાન પાસેથી કંઈપણ અપેક્ષા ન રાખવી. તેઓએ ઈમરાન ખાનની સરકાર પર કશ્મીર પર ડીલ કરવાનો આરોપ લગાવ્યો છે.
ફઝલુર રહેમાને કહ્યું કે, ઈમરાન ખાન કશ્મીરીઓ માટે કંઈ નહીં કરે, આંતરરાષ્ટ્રીય સમુદાયે તેના પર ધ્યાન આપવું જોઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને કશ્મીરમાં ભારતીય સેનાની કાર્યવાહી સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. PDMના વડાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાને પોતે જ પોતાના હાથે કાશ્મીર ભારતને સોંપ્યું છે. હું કશ્મીરના લોકોને સૂચન કરું છું કે તેઓએ પાકિસ્તાન સરકાર પાસેથી કોઈ અપેક્ષા ન રાખે. આ સરકારે કાશ્મીરનો સોદો કર્યો છે. પરંતુ અમે તમને નિરાશ નહીં કરીએ. તેમણે કહ્યું કે JUI-F આગામી 5 ફેબ્રુઆરીએ કશ્મીર દિવસ પર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. અને તેમની પાર્ટી આ દિવસે કાશ્મીર મુદ્દા પર લોકોને એકત્ર કરશે.
તેમણે વધુમાં કહ્યું, ‘અમે સંયુક્ત રાષ્ટ્રને આ મુદ્દે જાગવાનું કહીએ છીએ. અમે વિશ્વને આ મુદ્દા પર આંખો ખોલવા માટે કહીએ છીએ. કશ્મીરના લોકો વિશ્વના અન્ય ભાગોના લોકો જેટલા જ ખાસ છે. નોંધનીય છે કે ફઝલુર રહેમાન કશ્મીર મામલાની સંસદની સમિતિના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યા છે. વર્ષ 2018માં જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સત્તામાં આવી ત્યારે તેમણે પોતાના પદ પરથી હટી જવું પડ્યું હતું. પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ શાસન લાવવા અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જ્યારે મૌલાનાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘આપણે વારંવાર આવા વિચારો સાંભળીએ છીએ. જ્યારે આપણી પાસે સંસદ, બંધારણ અને સંસદીય શાસનનું મોડેલ હોય ત્યારે આપણને આ રાષ્ટ્રપતિ પ્રણાલીની શા માટે જરૂર છે.
વધુમાં તેઓએ કહ્યું કે ‘આવા વિચારોનો પ્રચાર કરનારાઓને પૂછવું જોઈએ કે ભૂતકાળમાં આ પ્રયોગે દેશને શું આપ્યું છે. આ જ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન દેશનું વિભાજન થયું હતું. જે શાસનનું તાનાશાહી મોડલ છે.પીડીએમના વડાએ 23 માર્ચ એટલે કે પાકિસ્તાન દિવસના રોજ ઈસ્લામાબાદમાં વિપક્ષી ગઠબંધનના વિરોધ માર્ચ કાર્યક્રમમાં કોઈપણ ફેરફારને નકારી કાઢ્યો અને તેને દેશની લોકશાહીના ભાવિ માટે “નિર્ણાયક ચળવળ” ગણાવી.