અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હ્રદય કંપાવતી ઘટના પ્રકાશમાં આવી છે. ચાંદખેડામાં આવેલા સ્કાય વોક ફ્લેટમાં નવજાત બાળકની હત્યા કરવામાં આવી હોય તેવો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. બાળકને F બ્લોકના 10માં માળેથી નીચે ફેંકી હત્યા કરાઇ હોય તેવું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતાં FSIની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ બાળક કોનું છે તે સવાલ હજુ અકબંધ છે. સ્થાનિકોએ જ્યારે સવારે ઊઠીને જોયું તો તેમને પ્રથમ નજરે મૃત બિલાડી લાગી હતી, પરંતુ વાસ્તવમાં તે બાળ મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી.
નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે અને બાળક કોનું હતું તે જાણવા પ્રારયાસ શરૂ કર્યા છે. નવજાત બાળકની માતા સુધી પહોંચવા પોલીસે આસપાસમાં આવેલી હોસ્પિટલ અને મેટરનીટી હોમમાં તાજેતરમાં જન્મેલા બાળકોની વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
ચાંદખેડામાં નવજાત બાળકના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ બાળક ડિવોર્સી યુવતીનું હતું. બાથરૂમમાં અચાનક બાળકનો જન્મ થઈ જતાં યુવતી ગભરાઈ ગઈ હતી અને બાળકને 9માં માળેથી નીચે ફેંકી દીધું હતું. બાળકના પિતા કોણ છે તેની પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે.