VADODARA : વડોદરાના મોબાઈલ શોપમાં ચોરીની ઘટનાના ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) રામનીવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા (ઉ. 36) (રહે. રામનગર, કલ્યાણ મહારાષ્ટ્ર) ને તરસાલીથી દબોચી લીધો હતો. જે બાદ તેના વિરુદ્ધ રાજ્યમાં 5 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હોવાથી તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. ગતરોજ આરોપીને જે પી રોડ પોલીસ મથકના જવાનોના જાપ્તા સાથે મુંબઇ ચોરીનો માલ રિકવર કરવા અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસની ટીમને ધક્કો મારીને ફરાર થઇ ગયો હતો. જે બાદ મુંબઇ અને વડોદરા પોલીસના જવાનોએ તેની શોધખોળ આદરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કયા મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો હતો
તાજેતરમાં વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં મોબાઇલ શોપમાં ચોરીને લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનીકલ, સીસીટીવી અને હ્યુમન રિસોર્સના આધારે એકત્ર કરેલી માહિતીમાં ધ્યાને આવ્યું કે, ચોરી કરનાર શખ્સ નંબર પ્લેટ વગરની એક્ટીવા લઇને આવ્યો હતો. એક્ટીવા શોધખોળમાં ટીમને જાણવા મળ્યું કે, નોવીનો-તરસાલી વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શખ્સ ઉપરોક્ત ચોરના વર્ણન સાથે મળતો આવે છે. શંકાસ્પદ શખ્સ જોતા જ તે એક્ટીવા લઇને ભાગવા જતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેના ઇરાદા નાકામ બનાવી તેની અટકાયત કરી લીધી હતી.
નંબર પ્લેટ વગરના વાહનનો ચોરીમાં ઉપયોગ
ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કડકાઇ પૂર્વક પુછપરછ હાથ ધરતા તેણે વટાણા વેરી દીધા હતા. તેણે જણાવ્યું કે, છેલ્લા 14 વર્ષથી એકલા અથવા તો સાગરીત સાથે મળીને મુંબઇ, ઠાણે, રાયગઢ, પૂણેમાં મકાનો અને દુકાનોમાં 50 થી વધુ ચોરીને તે અંજામ આપી ચુક્યો છે. ઠાણે જેલમાંથી છુટ્યા બાદ તેણે નંબર પ્લેટ વગરની એક્ટીવાનો ઉપયોગ કરીને મુંબઇના નાલાસોપારમાં વાઇન શોપમાથી રૂ. 55 લાખની રોકડ અને દાગીનાની ચોરી, મહારાષ્ટ્રના અહમદનગર ખાતચે મોબાઇલ શોપમાં ચોરી, સુરતના કપોદ્રાની મોબાઇલ શોપમાં ચોરી, અને અમદાવાદના સેટેલાઇટ મોબાઇલ શોપમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપી ગુગલ સર્ચ કરી માહિતી એકત્ર કરતો હતો. અને ગુનાને અંજામ આપતો હતો.
પાંચ પોલીસ મથકના ગુના ઉકેલાયા હતા
આરોપી પાસેથી રૂ. 88 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ પોલીસ મથકમાં નોંધાયેલા ગુના ઉકેલવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું હતો. આ મામલે આરોપીને જે પી રોડ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો — VADODARA : ભારદારી વાહનો પર પોલીસની મોટી કાર્યવાહી