53

વર્ષ 2022માં 5Gના સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે જેની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા 5G વિશે પણ વાત કરી હતી. આ વર્ષના અંત સુધીમાં 5G સેવાનો લાભ દેશના નાગરિકોને મળશે તેવી જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરી છે. નાણામંત્રીના જણાવ્યા મુજબ વર્ષ 2022માં સ્પેક્ટ્રમની હરાજી કરાશે.
વર્ષ 2022માં 5Gના સ્પેક્ટ્રમની હરાજી થવાના કારણે તેની સર્વિસની વર્ષ 2022-2023માં જાહેરાત કરવામાં આવી શકે છે. 5Gની રાહ જોતા લોકો માટે આ મોટા રાહતના સમાચાર છે. નાણામંત્રીએ દેશના તમામ ખૂણાઓ સુધી ઈન્ટરનેટ પહોચાડવાની વાત કરી હતી. 5G લોન્ચ કરવા માટે ખાસ સ્કીમ લાવવામાં આવશે. બજેટમાં એ પણ જણાવવામાં આવ્યું કે, ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં PPP મોડલ અંતર્ગત ફાઈબર ઓપ્ટિક્લના માધ્યમથી ઈન્ટરનેટ પહોચાડવામાં આવશે.
મહત્વનું છે કે 5G માટેની ટેસ્ટિંગની કામગીરી ટેલિકોમ કંપનીઓ સતત કરી રહી છે. આ ટ્રાયલમાં ઈન્ટરનેટની સ્પીડનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 4Gની તુલનામાં આ નેટવર્કની સ્પીડ 8 થી 10 ગણી વધારે છે. લાંબા સમયથી ભારતમાં ટ્રાયલ કરવામાં આવી રહ્યુ છે. બજેટમાં નાણામંત્રીની જાહેરાત બાદ અંદાજો લગાવી શકાય છે કે વર્ષના અંત સુધીમાં 5G ઈન્ટરનેટ સુવિધા લોકો સુધી પહોંચી જશે. રિસર્ચ રિપોર્ટ મુજબ ભારતના 13 મોટા શહેરોમાં 5G ઈન્ટરનેટ સુવિધા શરૂ કરવામાં આવશે જ્યા કંપનીઓએ પહેલાથી ટ્રાયલ કરી દીધા છે.