ARVIND KEJRIWAL : ED ને અરવિંદ કેજરીવાલના ઘરેથી શું મળ્યું? ‘આપ’ નેતાએ જણાવી વિગત
ARVIND KEJRIWAL : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે ગુરુવારે કહ્યું કે, ઇડીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને કોઈ પણ પ્રકારના સાબુત મળ્યા નથી. EDને જે મળ્યું તે 70,000 રૂપિયા હતું, જે તેણે પરત કર્યું. જ્યારે કેજરીવાલની સિવિલ લાઈન્સ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે ભારદ્વાજ પણ ત્યાં હાજર હતા. દિલ્હીના મંત્રીએ ભારદ્વાજે કહ્યું કે, એજન્સીને અહીંથી દરોડા દરમિયાન કોઈ પુરાવા, સંપત્તિના દસ્તાવેજો, ગેરકાયદે નાણાં, પૈસાની લેવડ-દેવડના પુરાવા વગેરે મળ્યા નથી. તેમણે દાવો કર્યો હતો કે EDએ તેમની ધરપકડ કરતા પહેલા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની તલાશી લીધી હતી અને તેમનો ફોન લઈ લીધો હતો.
પદ પર રહીને મુખ્યમંત્રીની ધરપકડનો આ પહેલો કિસ્સો
અહીં દિલ્હીના મંત્રી ગોપાસ રાયે પણ આ બાબતે કહ્યું કે, કેજરીવાલની ધરપકડ એ 'લોકશાહીની હત્યા' અને 'સરમુખત્યારશાહીની ઘોષણા' છે. જો કેજરીવાલની ધરપકડ થઈ શકે છે તો કોઈની પણ ધરપકડ થઈ શકે છે અને તેમનો અવાજ દબાવી શકાય છે. આજથી લડાઈ શરૂ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ એક વ્યક્તિ નથી પરંતુ એક વિચારધારા છે. દિલ્હી હાઈકોર્ટે AAPના રાષ્ટ્રીય સંયોજકને એજન્સી દ્વારા કોઈપણ જબરદસ્તી કાર્યવાહીમાંથી રાહત આપવાનો ઈન્કાર કર્યાના કલાકો બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પદ પર રહીને મુખ્યમંત્રીની ધરપકડનો આ પહેલો કિસ્સો છે.
કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશેઃ આપ
લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી ધરપકડથી અત્યારે વિપક્ષના લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ‘આપ’એ કહ્યું કે, ‘કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે, જરૂર પડી તો તેઓ જેલથી પણ સરકાર ચલાવશે.’ જોકે, ભાજપે અત્યારે નૈતિક આધાર પર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાની માંગ કરી રહીં છે.
ED દ્વારા આ કેસમાં આ 16મી ધરપકડ કરાઈ
અધિકારીઓએ જણાવ્યું કે, દિવસના ઝડપથી બદલાતા વિકાસમાં, EDના વધારાના નિર્દેશકની આગેવાની હેઠળ એજન્સીની 10 સભ્યોની ટીમ અહીં સિવિલ લાઇન્સમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી અને સર્ચ હાથ ધર્યું. EDની ટીમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યાના બે કલાકથી વધુ સમય બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે EDએ કેજરીવાલની ધરપકડ કરતા પહેલા થોડો સમય પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે દરોડા દરમિયાન કેટલીક જપ્તી પણ કરવામાં આવી હતી. ED દ્વારા આ કેસમાં આ 16મી ધરપકડ છે.
ED પૂછપરછ માટે તેમની કસ્ટડીની વિનંતી કરશે
આ મામલે અધિકારીએ કહ્યું કે, ED શુક્રવારે અહીંની કોર્ટમાં મુખ્યમંત્રીને રજૂ કરશે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની વિનંતી કરશે. તમને જણાવી દઈએ કે EDએ આ કેસમાં અત્યાર સુધીમાં છ ચાર્જશીટ દાખલ કરી છે અને 128 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. કેજરીવાલે આ કેસમાં પૂછપરછ માટે એજન્સી દ્વારા જારી કરાયેલા નવ સમન્સ ટાળ્યા હતા. તેમાંથી ગુરુવારે 21 માર્ચે નવું સમન્સ જારી કરવામાં આવ્યું હતું. તેણે આ સમન્સને 'ગેરકાયદેસર' ગણાવ્યા છે.