41

રાજકોટના ધોરાજીમાં પાટણવાવ જૂથ સહકારી મંડળીમાં 30 લાખથી વધુની ગેરરીતિ અને ઉચાપત થયાની ફરિયાદ નોંધાઈ છે. પાટણવાવ જૂથ સહકારી મંડળીમાં વહીવટકર્તાઓએ ગોડાઉન બાંધકામમાં ગેરરીતિ આચરતા લેખિત ફરિયાદ નોંધાવમાં આવી છે.
મંડળીના મંત્રીએ આક્ષેપોને ફગાવ્યા
ધોરીજીના પાટણવાવ જૂથ સહકારી મંડળીમાં રૂ. 28 .51 લાખના બાંધકામના બિલ દર્શાવી ગેરરીતિ આચરવામાં આવી છે. જો કે હકીકતમાં આવું કોઈ બાંધકામ થયું જ નથી. અને જૂના બાંધકામોને નવા બાંધકામ તરીકે દર્શાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 1. 80 લાખ રૂપિયાના સભાસદોના ટુરને રેકોર્ડ તરીકે દર્શાવ્યા છે. જો કે આવી કોઈ ટુર પણ કરવામાં આવી નથી. સમગ્ર ગેરરીતી મામલે પાટણવાવના સહકરી મંડળીના પૂર્વ પ્રમુખ મોરારજીભાઈ પેથાણીએ રાજકોટ જિલ્લા રજીસ્ટાર અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કના જનરલ મેનેજરને લેખિત ફરિયાદ કરી છે અને જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે. જોકે મંડળીના મંત્રી દિલીપ કુરાણીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
યોગ્ય તપાસની માગ
આ ઉપરાંત મંડળીએ મૃત્યુ પામેલા સભાસદોનું વ્યાજ ચુકવ્યું નથી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક સભાસદોના પરિવારને મળતો લાભ ચૂકવી આપવા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરાઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષ 2000થી આ મંડળી ચાલી રહી છે પણ હજુ સુધી કાયદેસર રીતે લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવી નથી તેવી જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરાઈ છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે.