અહેવાલ – આનંદ પટની
મહારાષ્ટ્રના અહમદનગર ખાતેથી ફોર વ્હીલ ઇકો કારની ચોરી કર્યા બાદ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી રૂપિયા 40 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમની ધાડ કરી ફરાર થઇ ગયેલા કુખ્યાત ચીકગલી ગેંગના સાગરીતની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં બનતા ગંભીર ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.આ માટે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી છે.જે અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાખોની ધાડ કેસના ગુનામાં ફરાર કુખ્યાત ચીકલીગર ગેંગના સાગરીતને ઝડપી પાડ્યો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ લલિત વાગડીયાના જણાવ્યાનુસાર,ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ સુરતના ભેસ્તાન વિસ્તારમાં પેટ્રોલિંગ હતો.
તે દરમ્યાન માહિતી મળી હતી કે,ધાડ જેવા ગંભીર ગુનાને અંજામ આપતી ચીકલીગર ગેંગનો સાગરીત સુરતના ભેસ્તાન આવાસમાં રહે છે.જે શખ્સ અને તેની ગેંગ દ્વારા હાલ જ મહારાષ્ટ્રના અહમદનગર ખાતેથી એક ઇકો ફોર વ્હીલ કારની ચોરી કરવામાં આવી હતી.જે ફોર વ્હીલ કારમાં ચીકલીગર ગેંગના મુખ્ય સાગરીત સોહમસિંગ ઉર્ફે સોનસિંગ બચ્ચનસિંગ ભોડ અને તેના સાગરીતોએ એકસાથે મળી અહમદનગર શહેરના વર્મા જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનને નિશાન બનાવી હતી.જે દુકાનનું શટર તોડી લાખોની મત્તાના સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ 40 લાખ રૂપિયાની ધાડ કરી હતી.
જે ગુનામાં સંડોવાયેલા ચીકલીગર ગેંગનો કુખ્યાત આરોપી સોહમસિંગ ભોડ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસ ખાતે રહેતો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી ભેસ્તાન આવાસ ખાતે આવેલા પાંજરાપોળ નજીકથી આરોપી સોહમસિંગ ભોડને ઝડપી પાડ્યો હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આજથી એકાદ માસ પહેલા આરોપી પોતાના મિત્ર અનમોલ ચરણસિંહ ભોડ,સહિત તેના અન્ય સાગરીતોએ અહમદનગર શહેરના જ્વેલરી શોપમાંથી ચોરી કરવાની યોજના ઘડી હતી.જે ચોરીની યોજનામાં અનમોલના કહેવા મુજબ હાલ ઝડપાયેલો આરોપી આ યોજનામાં સામેલ થયો હતો અને રાત્રિ દરમિયાન અનમોલ અને તેના અન્ય ચાર મિત્રો સાથે ઇકો ફોર વ્હીલ કારમાં મનમાડથી અહમદ નગર ખાતે ગયા હતા.
જ્યાં રાત્રિ દરમિયાન વર્મા જ્વેલરી શોપનું શટર તોડી તેમાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.જે ગુનામાં આરોપી પોતે વોન્ટેડ હોવાથી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો ફરી રહ્યો હોવાની માહિતી સામે આવી હતી.હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કબજો મહારાષ્ટ્રના અહમદનગર કોતવાલી પોલીસને સોંપવા અંગેની તજવીજ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સુરતની ચીકલીગર ગેંગ ધાડ-ચોરી જેવા ગંભીર ગુનામાં અગાઉ પણ અલગ અલગ પોલીસ મથકોમાં ઝડપાઇ ચુકી છે.
આ પણ વાંચો – PM MODI: આખું ઉત્તર ગુજરાત સૂર્ય શક્તિથી આગળ વધશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે