Download Apps
Home » સમય બડા બલવાન

સમય બડા બલવાન

સવાર, બપોર અને સાંજ. સવાર શબ્દ ક્યાંથી આવ્યો? સુ અને વાર  એટલે સારો પવન? હિન્દી શબ્દ ભોર એટલે સવાર. ભોર એટલે ભૈરવી ગાવાનો સમય? મોંસૂઝણું કે ભાંભાંખળું જેવા જૂના ગુજરાતી શબ્દો હવે પ્રયોગમાંથી ખસતા જાય છે. પરોઢિયું એટલે દૂરથી મોઢું ઓળખી શકાય એવો અર્થ થાય છે? વ્હાણું વાયુને સમુદ્રમાં વહાણ લઈ જવાના સમય સાથે કોઈ સંબંધ છે? મળસકું ક્યાંથી આવે છે? બંગાળીમાં સવાર માટે સકાલ શબ્દ છે, સાંજ માટે બિકાલ છે.

બપોરનું મૂળ છે: બે પહોર! અને પહોર શબ્દ સંસ્કૃત શબ્દ પ્રહર પરથી આવે છે. પ્રહરી શબ્દનો મૂળ અર્થ એ પ્રહર પૂરતી જેની ડ્યુટી હોય એવો સંત્રી. સાધારણત: સવારના અંધારા પ્રહરો વખતે જે પહેરો ભરે એ પ્રહરી ગણાય. પો ફાટ્યાનો અર્થ પણ આસાન છે. જેને આપણે ગુજરાતીમાં બપોર કહીએ છીએ એ હિન્દીમાં દોપહર છે, મરાઠીમાં દૂપારી છે અને બંગાળીમાં દ્વિ-પ્રહર છે. આપણે ગુજરાતીમાં બપોર શબ્દની ઘણી છાયાઓ માટે જુદાજુદા શબ્દો ઉપજાવ્યા છે… પહેલો પહોર, બીજો પહોર, નમતો પહોર, પાછલો પહોર, ચઢતો પહોર! આ સિવાય સંસ્કૃત શબ્દો વાપરીએ છીએ: મધ્યાહન, અપરાહન અને સાયાહન! મધ્યાહન એટલે બપોરે લગભગ બાર વાગ્યાનો સમય, અપરાહન એટલે ત્રણેક વાગ્યાનો સમય અને સાયાહન એટલે સાંજનો સમય! સૂર્યની બદલાતી ગતિ પ્રમાણે કેટલાંક નામો આવતાં ગયાં છે…ઘટિકા, ટાણું, કટાણું, વેળા!

સાંજ, અથવા સંધ્યા. મૂળ પ્રાકૃત શબ્દ છે સંઝા, જેના પરથી સાંજ આવી છે. એ સાયંકાળ છે, જેમ સવાર ઉષ:કાળ કે પ્રાત:કાળ છે. ગાયો પાછી ફરવાનો સમય એ ગોરજ કે ગોધૂલિ છે. એક શબ્દ છે આરતી ટાણું અથવા મંદિરમાં આરતી કરવાનો સમય. પથારીમાં બીમાર માણસ પણ આરતી સમયે પથારીમાં બેઠો થઈ જાય, એ સમયે સુવાય નહીં. એક બીજો શબ્દ છે ચાંદરણા ટાણે. અને જૈન સમયશાસ્ત્ર પ્રમાણે જ્યાં સુધી નગ્ન આંખે હથેળી જોઈ શકાય ત્યાં સુધી દિવસ ચાલી રહ્યો છે, ભોજન લઈ શકાય. હથેળી દેખાતી બંધ થાય છે અને રાત્રિ શરૂ થાય છે.

જગતની ઘણી જાતિઓમાં સમય ધરતી, ગાયો કે કૃષિ સાથે સંકળાયેલો છે. પણ બંગાળીમાં એક મજાનો શબ્દપ્રયોગ છે – ‘કોને દેખા બેલા’, જે સાંજને કે સૂર્યાસ્તને માટે વપરાય છે. કોને દેખા બેલા એટલે કન્યાને દેખવાની વેળા! કન્યા સાંજે જોવી જોઈએ તો તરત પસંદ પડી જાય! માટે જે છોકરાને છોકરી પસંદ કરવામાં તકલીફ પડતી હોય એને છોકરી કોને દેખા બેલા સમયે જ બતાવવી…

ઘડિયાળ આવ્યા પહેલાં સમયની ગણતરી કઈ રીતે થતી હતી? એ વિષે ભિન્નભિન્ન વિચારધારાઓ છે. એક વર્ષ અને બાર મહિના અને એક સપ્તાહ અને દિવસ અને કલાક અને મિનિટ અને સેકંડની કલ્પનાઓ કઈ રીતે આવી? એક વરસાદથી બીજા વરસાદ સુધીના એટલે કે એક વર્ષાથી બીજી વર્ષા સુધીના કાલખંડને આપણે ‘વર્ષ’ કહેવા લાગ્યા (ભારતવર્ષ શબ્દને આ વરસાદચક્ર સાથે સંબંધ છે?).. આપણે આ બાબતમાં ઘણા જ પ્રગતિશીલ હતા. ઘડી, ઘટિકા, ક્ષણ, પળ, વિપળ અને એથી પણ આગળ સુધી હિન્દુ કલ્પના પહોંચી છે. સમયને ગણિતમાં ભાગતા જવાની પ્રક્રિયામાં હિંદુ બુદ્ધિ અપ્રતિમ હતી.

પશ્ચિમમાં રોમનોએ આદેશ આપ્યો હતો કે સપ્તાહ આઠ દિવસનું રહેશે અને દરેક દિવસના બાર કલાક ગણાશે અને દિવસ સૂર્યપ્રકાશની લંબાઈ પરથી ગણવામાં આવશે. એટલે દેશ પ્રમાણે કાળમાં ફેરફાર થતો ગયો, ઋતુઓનો સમય અસ્થિર ગણાવા લાગ્યો. આ અરાજકતાનો કંઈક અંશે નિકાલ થયો. મધ્યયુગીન યુરોપમાં, કારણ કે મઠોના ખ્રિસ્તી મુનિઓ-ધર્મગુરુઓને રાત્રે પ્રાર્થના કરવા ઊઠવું પડતું હતું અને અમુક ચોક્કસ સમયે ચોક્કસ પ્રાર્થનાઓ કરવાની હતી. માટે એવી યાંત્રિક ઘડિયાળનો જન્મ થયો જે અંધારામાં પણ જોઈ-સમજી શકાય.

સમય જો ચોક્કસ માપી શકાય તો જ પ્રવાસી મનુષ્ય સ્થળ વિષે ચોક્કસ બની શકે. ચૌદમી સદીની ઘડિયાળોએ પંદરમી સદીનાં નાવિક-યંત્રોને જન્મ આપ્યો અને યુરોપીય મનુસઃય એ યંત્રોના માર્ગદર્શન નીચે અજ્ઞાત મહાસમુદ્રોમાં ખોવાતો ગયો. નવા પ્રદેશો શોધાયા, જિતાયા, ખ્રિસ્તી બનાવાયા.

પ્રાચીન જાતિઓનું સમયશાસ્ત્ર જુદું હતું. આપણે ત્યાં પૂછાતું હતું. હજી પુછાય છે: કેટલી દિવાળીઓ જોઈએ છે? આફ્રિકાના સુડાનમાં આજે પણ પ્રશ્ન થાય છે: કેટલા વરસાદ જોયા છે? અને કોઈ બહુ લાંબું જીવ્યો હોય તો કહેવાય છે: એણે ઘણું પાણી પીધું છે! સુડાન લગભગ રણપ્રદેશ છે. સૂર્ય અને ચંદ્રની ગતિ, મનુષ્ય અને પ્રાણીઓના વિચરણ અને ઋતુઓના પરિવર્તન પરથી સમયને માપવામાં આવ્યો છે. અને દરેક પરંપરાવાદી પ્રાચીન સમાજમાં આ જ રીતે કાલખંડનું ગણિત ગોઠવાયું છે. દક્ષિણ-મધ્ય અમેરિકાના નિકારાગુઆની રામા ઈન્ડિયન જાતિ પ્રાણીઓની ખાસિયતો પરથી મહિનાનાં નામ પાડે છે. દાખલા તરીકે માર્ચ મહિનો ‘ઈગુઆના’ કહેવાય છે. એ માસમાં ઈગુઆના અથવા મગર-જાતીય જળચર સમુદ્ર કે નદીકિનારાની રેતીમાં ઈંડા મૂકવા આવે છે (આપણી હિંદીમાં મગર માટે એક શબ્દ છે ‘ઘડિયાળ’!) આ શબ્દને સમયના આવા ઘડિયાળ સાથે કોઈ સંબંધ છે?)

આપણી જેમ જ આફ્રિકાના બુરુન્ડીમાં દિવસના પ્રત્યેક કલાક માટે ગાયો અને કૃષિ પદ આધારિત સમય શબ્દો ઈતિહાસકારોએ શોધ્યા છે. સવારે સાત વાગ્યાનો ગાયો દોહવાનો સમય: આમાકામા! પછી સવારે આઠ વાગ્યે ગાયોને છોડવાનો સમય: માતુરૂકા! એ પછી સવારે નવ વાગ્યાનો સમય જ્યારે સૂર્ય ફેલાવા માંડે છે: કુમુસાસે! આ જ રીતે દસ વાગ્યે સૂર્ય પર્વતો પર ફેલાઈ જાય છે એ સમયનું પણ નામ છે: ઘડિયાળોમાં કલાકોને નંબરો આપ્યા વિના પણ પ્રજાઓ હજારો વર્ષો બહુ જ સુબદ્ધ આયોજન પ્રમાણે જીવી છે.

આધુનિક જગતમાં બાર કલાક માત્ર દૈનિક વ્યવહારમાં અને ઘડિયાળોમાં જ રહી ગયા છે. રેલવે ટાઈમ ટેબલ 24 કલાકનું હોય છે અને આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે પણ સમય 24 કલાકમાં વિભાજીત કરવામાં આવ્યો છે. આપણી ફ્લાઈટ 13:00 કલાકે ઉપડવાની હોય છે અથવા 23:00 કલાકે ઊતરવાની હોય છે. હવે સમયને ઘડિયાળના ડાયલમાં પૂરી શકવાની આપણી ક્ષમતા પણ રહી નથી. જગતમાં સર્વત્ર સમય એક જ નથી. અને હવે તો એક દેશમાં પણ સમય એક નથી.

આપણે ઈંગ્લંડ-અમેરિકાની આંખે જગતને જોવા ટેવાયેલા છીએ, પણ સમયને ફેરવતા રહેવાની બાબતમાં જડ રહ્યા છીએ. જડતા આપણો રાજરોગ છે. આપણે સમય પ્રમાણે બદલાતા નથી કે ન સમયને બદલીએ છીએ! ઈંગ્લંડનાં ઘડિયાળો ઑક્ટોબરથી માર્ચ સુધી યુરોપનાં ઘડિયાળો કરતાં એક કલાક પાછળ મૂકવામાં આવે છે એટલે ભારત-ઈંગ્લંડનો સમયફર્ક સાડા ચાર કલાકને બદલે આ ગાળા દરમિયાન સાડા પાંચ કલાક રહે છે. ઉનાળામાં 1 એપ્રિલથી યુરોપનાં ઘડિયાળો એક કલાક આગળ કરી દેવામાં આવે છે, અને ઈંગ્લંડના સમયથી આ સમય એક કલાક આગળ રહે છે. એ જ રીતે શિયાળામાં સપ્ટેમ્બર 29થી શિયાળાનો સમય કરી દેવામાં આવે છે એટલે કે ઘડિયાળ એક કલાક પાછળ કરવામાં આવે છે. આ જ રીતે અમેરિકા અને કેનેડા એપ્રિલ 28થી ‘લાઈટ-સેવિંગ’ ટાઈમ શરૂ કરી દે છે. આઈસલેંડ માત્ર આ રીતે ઘડિયાળ આગળપાછળ કરતું નથી, શ્રીલંકા પણ પ્રતિ જાન્યુઆરી આ રીતે સમય એડજસ્ટ કરે છે કે જેથી સૂર્યનો તડકો શક્ય એટલો વધુ વાપરી શકાય અને ઈલેક્ટ્રીક બત્તીઓ એક કલાક મોડી શરૂ થવાથી કરોડો રૂપિયાનો વિદ્યુત ખર્ચ બચાવી શકાય. ભારત આ વિષયમાં આઈસલેંડને અનુસરે છે. આપણી ઘડિયાળો વર્ષભર એમ જ ટિક ટિક ટિક ટિક કરતી રહે છે…

અમેરિકામાં ત્રણ ટાઈમ-ઝોન કે સમયખંડો છે – પૂર્વ, મધ્ય અને પશ્ચિમ! અને ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે પાંચ-છ કલાકનો સમયફર્ક હોય છે. રશિયા તો એટલું વિરાટ છે કે એમાં અગિયાર સમયખંડો છે! રશિયાના પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ વચ્ચે અગિયાર કલાકનો ફર્ક છે એટલે કે મૉસ્કોમાં સાંજની બત્તીઓ જલવી શરૂ થાય ત્યારે દૂરપૂર્વના ચુકોત્સ્ક દ્વીપકલ્પમાં સૂર્યોદય થઈ જાય છે! માટે કેન્દ્રીય રશિયન રેડિયો ‘ગૂડ મૉર્નિંગ!’ ક્યારેય કહેતો નથી એવી એક મજાક છે! હિન્દુસ્તાનમાં ગુજરાત કરતાં આસામના લોકો બે કલાક વહેલા ઊઠે છે અને બે કલાક વહેલા સૂઈ જાય છે. કલકત્તામાં પાંચ વાગ્યે અંધારું થઈ જાય છે, મુંબઈમાં સાડાસાત સુધી સૂર્યપ્રકાશ દેખાય છે. પણ આપણે ત્યાં દ્વારકા હોય કે દિબ્રુગઢ હોય, એક જ ઈન્ડીઅન સ્ટેન્ડર્ડ ટાઈમ છે! ખરી રીતે હિન્દુસ્તાનમાં કલકત્તાની ઘડિયાળો દિલ્હીથી અડધો કલાક આગળ અને મુંબઈની ઘડિયાળો દિલ્હીથી અડધો કલાક પાછળ હોવી જોઈએ, કારણ કે સૂર્ય ઈન્ડીઅન સ્ટેન્ડર્ડ ટાઈમ જોઈને આખા ભારતમાં એક જ સમયે સર્વત્ર ઊગી જતો નથી! જાપાન અને દક્ષિણ કોરીઆએ પણ આવી નાની-નાની વાતોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને વિદ્યુત બચાવી છે. આપણે જો બુદ્ધિ વાપરીને ‘ડે-લાઈટ સેવિંગ’નો વિચાર કરીને દેશના ત્રણ કે ચાર ટાઈમ-ઝોન કે સમયખંડ કરીએ તો સેંકડો-કરોડો રૂપિયાનો વિદ્યુતખર્ચ બચી જાય! જગતનો દરેક વિકાસશીલ અને પ્રથમકક્ષ દેશ આ કરે જ છે. પણ ભારતવર્ષમાં જાડી ગર્દનોવાળા એન.ડી. તિવારીઓ અને બુટાસિંઘો અને શિવશંકરો છે ત્યાં સુધી આવા કનિષ્ઠ વિચારોના પરપોટા પણ બુદ્ધિની સપાટી પર આવવા એ દ્રોહ છે. જે માણસ દેશની ઘડિયાળોના કાંટાઓ સાથે રમત કરે છે એ દેશને ‘ડિ-સ્ટેબિલાઈઝ’ કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે, એ સીઆઈએ અને કેજીબી બંનેનો એજંટ છે. હિન્દુસ્તાન એક જ છે, અખંડ છે, હિન્દુસ્તાનમાં સમય એક જ રહેશે, અખંડ રહેશે.

રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે