47


મુશ્કેલી હરહમેંશા વ્યક્તિને ઉગારવા માટે જ આવતી હોઈ છે અને કઈક નવું જ શીખવી જતી હોઈ છે અને આમ પણ આફતને અવસરમાં બદલવી એ તો ગુજરાતીઓનું જાણે ઘરેણું છે. 2020નું વર્ષ દુનિયાના જાણે પૈડાં થંભી ગયા હોઈ તેવું રહ્યું હતું લોકડાઉન આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી ત્યારે તમામ લોકો અનેકે પ્રશ્નો અને સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેવામાં અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં એક ખેડૂતને પોતાનો પાક વેચવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે તેનું નિરાકરણ લઇ આવ્યા અમરેલી જિલ્લાના યુવાનો. પીયૂષ ડોબરીયા અને ભાર્ગવ ડોબરીયા આ બંને યુવાનોએ પોતાના પરિવારને પાક વેચવા પડી રહી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવી નાખ્યું ”ખેડૂતનો કોઠાર”.
ગુજરાત ફર્સ્ટની પીયૂષ ડોબરીયા સાથે ખાસ વાતચીત

સવાલ : પીયૂષ , ‘ખેડૂતનો કોઠાર’ એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો ?
જવાબ: કોરોના મહામારીની શરૂઆત થઇ જેમની અસર વ્યવસાય અને શાળા કોલેજો પર પડી અને હું સુરત થી મારા વતન બગસરાના સમઢીયાળા આવ્યો અને મારા પિતાના ખેતીના વ્યવસાયમાં મદદ કરવાનું શરુ કર્યું, ખેતીમાંથી ઉપજેલા પાકનું વેચાણ કરવું હતું પરંતુ કઈ જગ્યાએ કરવું ? માર્કેટયાર્ડ સહીત તમામ સોર્સ બંધ હતા અને મારા પિતાએ તમામ પરિસ્થિતિની વાત કરી કે, ‘તમામ ખેડૂત પાસે પાક તો છે પરંતુ તેમનું વેચાણ થઇ શકતું નથી’ અને આ વાતને ધ્યાને લઇને મેં અને મારા પિતરાઈ ભાઈ ભાર્ગવ ડોબરિયાએ ખેડૂત કોઠાર એન્ડ્રોઇડ એપ્લિકેશ બનાવી.
સવાલ : હજુ ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટનો અભાવ છે અને ફ્રોડ સતત થઇ રહ્યા છે તો કઈ રીતે વિશ્વસનીયતા કેળવી?
જવાબ: ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટની સમસ્યા છે ત્યારે બહાર જતી વખતે કે બીજી કોઈ રીતે ખેડૂતો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે.ઘણીવાર OTP નથી આવતા તથા એપ્લિકેશન ડાઉનલોડ થવામાં સમસ્યા થઈ રહી છે.
વિશ્વસનીયતાની વાત કરવામાં આવે તો, પાક વેચનાર અને લેનાર બંનેના મોબાઈલ નંબર, એડ્રેસ અને ઉત્પાદિત પાકની વિગત સિવાય કાંઈ પણ શેર કરવામાં આવતું નથી જેના પરિણામે કોઈ પણ પ્રકારનો ખેડૂત સાથે ફ્રોડ થવાની સંભાવના નથી. આ ઉપરાંત માતૃભાષા ગુજરાતીમાં એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેથી વધુ સરળતા થી ઉપયોગમાં લેવાઈ રહી છે.
સવાલ : એપ્લિકેશન બનાવતા અને શરુ કરવામાં શું મુશ્કેલીઓ પડી અને પડકાર શું રહ્યા ? પાયાના પથ્થર કોને કહી શકો ?
જવાબ: મારા પિતાના વિચારો એ અમને આ એપ્લિકેશન બનાવવાની પ્રેરણા આપી અને પિતરાઈ ભાઈ ભાર્ગવના સહયોગ થી આ શક્ય બન્યું. ખેડૂતો સુધી કઈ રીતે પહોંચવું? કઈ રીતે સમજાવશું અને ફ્રોડથી કઈ રીતે બચાવશું આ મુખ્ય પડકાર હતા.
સવાલ : એપ્લિકેશન થી કેટલા ખેડૂતોને ફાયદો થયો છે ?
જવાબ: પહેલા વર્ષમાં 10,000થી વધુ ખેડૂતોઆ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચુક્યા છે અને 30 લાખથી વધુ રૂપિયાનું ટ્રાન્જેક્શન આ એપ્લિકેશન મારફતે કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ પાક વેચતી કે, ખરીદતી વખતે કોઈ પણ પ્રકારનું કમિશન આપવું પડતું નથી તથા લોકેશન પ્રમાણે પાકની વિગત બતાવે જેથી ટ્રાન્સપોટ્રેશન ખર્ચમાં ઘટાડો થાય છે આ ઉપરાંત ખેડૂતોને પાક વેચવા કે લેવામાં કોઈ પણ પ્રકારનું કમિશન આપવું પડતું નથી. આ ઉપરાંત એપ્લિકેશ ફ્રી આપવામાં આવે છે અને પાક લેનારને કોઈ પણ પ્રકારનું એડવાન્સ પેમેન્ટ આપવામાં આવતું નથી.
સવાલ :ખેડૂતનો કોઠાર થી આગળ શું ?
જવાબ: ખેડૂતનો કોઠાર હાલમાં ગુજરાતી ભાષામાં છે ત્યારે ગુજરાતની વધુ સફળતા બાદ અમે તેને અન્ય રાજ્યમાં લઇ જઈશું.એપ્લિકેશને અમે સમગ્ર ભારતમાં લઇ જઈશું.
સવાલ :એપ્લિકેશન શરુ કર્યા બાદ કોઈ યાદગાર અનુભવ ?
જવાબ: ‘ખેડૂતનો કોઠાર’ શરુ થયા ના ત્રણ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા અમારી નોંધ લેવામાં આવી હતી જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુએ અમારી નોંધ લીધી હતી હતી અને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું તથા સરકારે સ્ટાર્ટઅપમાં અમારું નોમિનેશન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં એગ્રીક્લચર સ્ટાર્ટઅપમાં 700 જેટલા લોકોએ નોંધણી કરી હતી જેમાં આઈ હબ દ્વારા દિપક ફાઉન્ડેશન વડોદરામાં ડેમો લેવામાં આવ્યા હતા જેમાં સમગ્ર રાજ્યમાં ટોપ 6માં સ્થાન મેળવ્યું છે.