24

સુરતમાં પ્રેમપ્રકરણ મુદ્દે હત્યા અને આત્મહત્યાના બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાં અમદાવદમાં આજે એક જ કલાકમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે. અમદાવાદ રિવર ફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. સાબરમતી નદી જાણે સ્યુસાઈડ પોઈન્ટ બની હોય તેમ અનેક લોકો તેમાં મોતની છલાંગ લગાવી રહ્યા છે. આજે 120 મિનિટમાં જ 2 યુવકોએ અલગ અલગ કારણથી મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. જયારે એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. આ મામલે સાબરમતી રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત આ વર્ષે નોંધાયા. ત્યારે પોલીસે આપઘાત અટકાવવાનુ મિશન શરૂ કર્યુ છે.
બરકત નામના યુવકે કુદેલ યુવકને બચાવ્યો
સવારે 9 વાગે સાબરમતી નદીમાં એક 35 વર્ષની ઉમરના યુવકે જમાલપુર બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી યુવકને પડતો જોઇને સાબરમતી રિવર ફ્રન્ટમાં સ્વીપર તરીકે કામ કરનાર બરકત નામના યુવકે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા માટે કુદેલ યુવકને બ્રિજના નીચેના ૩ નંબરના પિલ્લર પાસે લઇ ગયો હતો.બનાવમાં તાત્કાલિક રિવર રેસ્ક્યુ ટીમે પહોચીને બંનેને બોટમાં રેસ્ક્યુ કર્યા હતા. આત્મ હત્યા માટે ઝંપલાવનાર યુવકનો જીવ બચી ગયો છે. જેને હાલમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગર્લ ફ્રેન્ડે દુપટ્ટો બચાવવા માટે ફેક્યો હતો જોકે યુવક પાણીમાં ડૂબી ગયો
બીજાં કિસ્સામાં રિવર ફ્રન્ટ પર ગર્લ ફ્રેન્ડ સાથે 25 વર્ષનો પ્રકાશ નામનો શાહવાડીનો યુવક આવ્યો હતો. ગ્રુપમાં બધાં બેઠાં હતાં, ત્યારે આ યુવકે જોયું હતું કે તેની ગર્લ ફ્રેન્ડે અન્ય કોઇ યુવક સાથે મોબાઇ પર ચેટ કરી રહી હતી. આ જોઇને યુવક પોતાનો આપો ખોઇ બેઠો હતો. તેણે ગર્લ ફ્રેન્ડનો મોબાઈલ તોડી નાખ્યો હતો અને NID પાસેના વોક-વે પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.તેને પડતો જોઇને તેની ગર્લ ફ્રેન્ડે દુપટ્ટો બચાવવા માટે ફેંક્યો હતો, જોકે યુવક ત્યાં સુધી પાણીમાં ડૂબી ગયો હતો. ત્યાંથી પોલીસ પસાર થતા પોલીસે રિવર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. રિવર રેસ્ક્યુ ટીમે આવીને યુવકને તુરંત બહાર કાઢ્યો હતો.જોકે યુવક મૃત્યુ પામ્યો હતો. બંન્નેના પરિવારને બનાવ અંગે જાણ કરવામાં આવી છે.બચી જનાર યુવકના સ્ટેટમેન્ટ આધારે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે,જયારે મૃતક યુવકના મિત્રોની પૂછપરછ કરીને બનાવ અંગે પરિવારને જાણ કરી છે.