39

બેંક મેનેજર પાસેથી લૂંટ
અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. 2 જેટલા ગુંડા તત્વોએ બેંકમાં નોકરી કરતા યુવક પાસેથી લૂંટ ચલાવી છે. યુવક નોકરીથી ઘરે જઈ રહ્યો હતો તે સમયે રબારી કોલોની પાસે મોટર સાયકલ પર આવેલા બે શખ્સે યુવકને જબરદસ્તી રોક્યો અને ખિસ્સામાં જે હોય તે આપી દેવાની ધમકી આપી. યુવકે વિરોધ કરતા લૂંટારૂએ યુવકને માર મારીને રોકડ અને એટીએમ કાર્ડની લૂંટ ચલાવી હતી. જો કે ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસનાં લોકો એકઠા થઈ ગયા અને બન્ને શખ્સોને ઝડપી લીધા હતા.
રોકડ અને ATM કાર્ડની લૂંટ
અમદાવાદનાં રામોલ વિસ્તારમાં રહેતા રવિ મિશ્રા થલતેજમાં આવેલી ખાનગી બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે. સોમવારના રોજ સાંજનાં સમયે રવિ મિશ્રા નોકરીથી ઘરે પરત જઈ રહ્યા હતા. રાતનાં 10 વાગ્યાની આસપાસ તેઓ રબારી કોલોની પાસેથી પસાર થઈ રહ્યાં હતા. તે જ સમયે એક બાઈક પર બે શખ્સ આવ્યા, અને યુવકની બાઈક રોકીને તેની પાસે જે હોય તે આપી દેવા ધમકી આપી હતી. રવિ મિશ્રા તેની પાસે કઈ ન હોવાનું જણાવતા બન્ને શખ્સે મળીને રવિને માર માર્યો હતો. બાદમાં રવિના ખીસ્સામાં હાથ નાખી તેનું પાકીટ કાઢી લીધુ હતું. રવિ મિશ્રાનાં પાકીટમાં રોકડા 700 રૂપિયા અને બેંકનું એટીએમ કાર્ડ, આધારકાર્ડ સહિતનાં જરૂરી ડોક્યુમેન્ટ હતા. બંને આરોપી રવિને એટીએમમાં જેટલા પૈસા હોય તે કાઢીને આપી દે નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી..
લોકોએ આરોપીઓને પોલીસ હવાલે કર્યા
રવિ મિશ્રા ગભરાઈ જતા આરોપીઓ તેના જ બાઈક પર બેસી તેને રબારી કોલોની પાસેના એક એટીએમ પાસે લઈ ગયા હતા. જ્યાં રવિ મિશ્રાએ એટીએમમાં ખોટો પીન નાખતા પૈસા નિકળ્યા ન હતા. દરમિયાન બન્ને આરોપીઓ યુવક સાથે ગાળાગાળી કરતા યુવકે બૂમાબૂમ કરી હતી. યુવકની બૂમો સાંભળતા આસપાસનાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોના ટોળાને જોઈ બન્ને આરોપીઓેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ બંનેને ઝડપી લઈ પોલીસને જાણ કરી હતી. બન્ને આરોપીઓને રામોલ પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા તેમાંથી એકનું નામ સરફરાજ શેખ જ્યારે અન્ય આરોપી ધ્રુવેન્દ્રસિંહ રાજાવત હોવાનું ખુલ્યું છે. રવિ મિશ્રાની ફરિયાદના આધારે રામોલ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.