9

રાજ્યમાં કોરોના કેસો સતત ઘટી રહ્યાં છે. તેવામાં આજે પણ નવા દૈનિક કેસોનો આંકડો 1000થી નીચે છે. આજે રાજ્યમાં 870 કોરોના કેસો નોંધાયા છે. તો જેની સામે 2221 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.45 ટકા નોંધાયો છે. રિકવરી રેટ વધતાં રાજ્યમાં મહામારીની ત્રીજી લહેરની પિક નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે. પોઝિટિવ કેસો ઘટતાં તંત્ર અને લોકો રાહત અનુભવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 1,82,549 લોકોને રસી આપવામાં આવી છે.
2 લાખથી વધુ દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 19 હજાર 82 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10, 864 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખથી વધુ દર્દી કોરોનાથી સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8 હજાર 14 એક્ટિવ કેસ છે, જેમાંથી 53 દર્દી વેન્ટિલેટર પર છે અને 7 હજાર 361 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરામાં કેસ વધ્યાં
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગઇકાલ કરતા આજે 29 કેસ વધુ નોંધાયાં હતાં. આજે નવા કેસ 231 નોંધાયા હતા. જ્યારે 462 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે વધુ 4 દર્દીના મોત થયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 721 ઉપર પહોંચ્યો છે.