9

અમદાવાદમાં ફરી એકવાર મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી છે. એટલુ જ નહી મહિલાએ પ્રતિકાર કરતા ચેઈન સ્નેચિંગ કરી શખ્સ ફરાર થઈ ગયો. આ ઘટના અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં આવેલા ભીલવાસમાં 20 વર્ષીય યુવતી સાથે યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
.jpg)
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના સરદારનગરમાં રહેતા અને ગારમેન્ટનું કારખાનું ચલાવતા સંદિપ રાજપૂતે મહિલાની છેડતી મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમની ફેક્ટરીમાં કામ કરતી યુવતી સાથે છેડતી થઈ હોવાનું જણાવ્યું છે. મંગળવારે સાંજે નોકરીનો સમય પૂર્ણ થતા સંદિપભાઈનો સગીર પુત્ર યુવતીને તેના ઘરે મુકવા ગયો હતો, દરમિયાન ભીલવાસ પાસે જોગણીમાતાનાં મંદિર સામે ભીલવાસમાં જ રહેતો કાલી ગોવિંદ ભીલ ત્યાં આવ્યો, અને યુવતીનો દુપટ્ટો ખેંચી તેની છેડતી કરી હતી, એટલું જ નહી યુવતી પાસેથી જબરદસ્તી તેનો મોબાઈલ નંબર પણ માગ્યો હતો. જો કે યુવતીએ પોતાનો નંબર આપવાનો ઈન્કાર કરતા આરોપી કાલીએ યુવતીનો હાથ પકડી લીધો. યુવતી સાથે છેડતી થતા તેને મુકવા આવેલા સગીરે યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી કાલીએ સગીરને પણ માર માર્યો હતો.
.jpg)
યુવતીએ પોતાના શેઠ સંદિપભાઈને ફોન કરી જાણ કરતા તેઓ પોતાના વેપારી ભાઈ અને તેમની પત્ની સાથે ભીલવાસ પહોંચ્યા હતા, અને કાલીને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે આરોપી કાલીએ તેના સાથી અને માસીબા વિક્કી સાથે મળીને ફરી ગાળાગાળી અને મારામારી કરી હતી. આરોપી કાલીએ વેપારીને માર મારી તેમના ગળામાં રહેલી સોનાની ચેઈન ખેંચી લીધી. તો વિક્કી વેપારીના પત્નીના ગળામાંથી મંગળસુત્ર ખેંચી ફરાર થઈ ગયા હતા. વેપારીએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી બન્ને ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.