27

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં ઘેરાયેલી છે. ગેરરીતિ બદલ ગુજરાત તકેદારી આયોગે સિવિલ હોસ્પિટલના બે ડોક્ટર અને 1 વહિવટી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે.
એમ્બ્યુલન્સ,વાહનો વેચી કાઢ્યાનો આરોપ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલના RMO ડો.જગદીશ સોલંકી અને ડો.બાદલ ગાંધી તેમજ વહીવટી અધિકારી એન.જે. સલોટ પર એમ્બ્યુલન્સ અને વાહનો વેચી કાઢવાના આરોપ લાગ્યા છે. ગેરરીતિ આચરવા બદલ ગુજરાત તકેદારી આયોગે હોસ્પિટલના બંને ડોક્ટર અને વહીવટી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સના અધિકારી ડો.બાદલ ગાંધી સામે ટેન્ડરના મહત્ત્વના દસ્તાવેજ નાશ કરવાનો તથા RMO ડો. જગદીશ સોલંકી સામે 2018માં હોસ્પિટલમાં ભંગાર ખાતે કઢાયેલા વાહનો અને એમ્બ્યુલન્સ ટેન્ડર વગર વેચી, સરકારી તિજોરીના નાણા ચાઉ કરી જવાનો આરોપ છે. વહીવટી અધિકારી એન. જે. સલોટ સામે એવા આક્ષેપ છે કે તેમણે ખોટા પ્રમાણપત્ર રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી છે.
ગેરરીતિના આરોપોના પગલે હવે તકેદારી આયોગે સિવિલ હોસ્પિટલના બંને ડોક્ટરો અને વહીવટી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. હાલ સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.