12

અમદાવાદમાં ફરી લૂંટની ઘટના સામે આવી છે. જિલ્લાના દસક્રોઈ તાલુકાનાં અસલાલી વિસ્તારમાં રાહદારીને રોકીને લૂંટ કરવામાં આવી છે. જે ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.
વસઈમાં રહેતા જીતેન્દ્રસિંહ ચૌહાણ બારેજાથી વસઈ ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે બારેજા પાસે આવેલા સ્મશાન પાસે બે શખ્સો ઝપાઝપી કરતા હતા. જીતેન્દ્રભાઈએ પોતાની ગાડી રોકી પૂછતા નરેન્દ્ર ધાંસીરામ નામાના વ્યક્તિએ લૂંટારૂ તેની પાસેથી મોબાઈલ અને પૈસા લૂંટી લીધા હોવાનું જણાવ્યુ. લૂંટારૂ સાથે અન્ય બે ઈસમો પણ સામેલ હતા. જીતેન્દ્રસિંહે લૂંટારાને પકડવાનો પ્રયાસ કરતા તેણે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. દરમિયાન જીતેન્દ્રસિંહે પોલીસને ફોન કરતા અન્ય 2 લૂંટારૂ મોટરસાયકલ પર આવ્યા હતા. જીતેન્દ્રસિંહે બન્ને ઈસમોને જોતા તેઓ બારેજા ગામનાં હોવાનું જાણવા મળ્યું. જેમાં એકનું નામ મુસ્તુફા મુસલમાન જ્યારે બીજો ભોલો દરબાર હોવાનું જાણવા મળ્યું. મુસ્તફાએ પોતાનાં ખીસ્સામાંથી છરી કાઢી જીતેન્દ્રસિંહને મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટ કરી આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા.
નરેન્દ્ર પોતાના મિત્ર સાથે કરિયાણાનો સામાન લઈને જતો હતો. બારેજા પાસેના સ્મશાન પાસે અવાવરૂ જગ્યાએ બે વાહનો પર આવેલા 3 ઈસમે બન્ને મિત્રોને રોકીને છરીની અણીએ ધમકી આપી મોબાઈલ અને રૂપિયા 1500 ની લૂંટ કરી હતી. ત્રણેય આરોપીઓ ભાગવા જતા નરેન્દ્રે એક આરોપીને પકડી લીધો હતો અને ઝપાઝપી કરી હતી. જ્યારે નરેન્દ્રનો મિત્ર મદદ માગવા ભાગ્યો અને બુમાબુમ કરી હતી. તે જ સમયે જીતેન્દ્રસિંહ ચૌહાણ તેમની મદદે આવ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધતા અસલાલી પોલીસે ગુનો નોંધી જમાલપુરના કુત્બુદીન ઉર્ફે કુતુબ સૈયદ અને બારેજાનાં સંતોષ ઉર્ફે ભોલો ડોડિયાની ધરપકડ કરી છે. સાથે જ મોબાઈલ અને રોકડ રૂપિયા કબ્જે કર્યા છે. જ્યારે ફરાર આરોપી મુસ્તુફા મુસલમાનને પકડવા કવાયત હાથ ધરી છે.