10

અમદાવાદમાં મહિલા સામેના અત્યાચારો દિવસેને દિવસે વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર સાધુના વેશમાં હેવાનિયત સામે આવી છે. શાહીબાગના એક મંહતે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા અઢી વર્ષથી મહંત સગીરાને હવસનો ભોગ બનાવતો હોવાનો ખુલાસો ફરિયાદમા થયો છે. જેના આધારે શાહિબાગ પોલીસે ગુનો નોંધી વધુ મહંતની ધરપકડ કરી છે.
મહંતનો ત્રાસ વધતા આખરે યુવતીએ ફરિયાદ કરી
મહંત નરેશ દાસ અસારવા વિસ્તારમાં આવેલા કબિર મંદિરના મહંત તરીકે સેવા આપતો હતો. શાહીબાગ પોલીસ મથકે 20 વર્ષીય નેપાળી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, મંહત નરેશ દાસે છેલ્લા અઢી વર્ષ એટલે કે તે માઈનોર હતી ત્યારથી તેને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જોકે પરિવારની બદનામી ન થાય તે માટે તેણે આ વાત કોઈને કરી નહતી.. પરંતુ મહંતનો ત્રાસ વધતા આખરે યુવતી સામે આવી અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.પોલીસે તેની દુષ્કર્મના આરોપસર ધરપકડ કરી છે.
ભાણા સાથે લગ્નની લાલચ આપી ફસાવાઇ
ફરિયાદીના આક્ષેપ મુજબ વર્ષ 2019 માં સગીરા અમદાવાદમાં આરોપી નરેશ દાસના ભાણા લલ્લન સાથે રહી નોકરીની શોધખોળ કરતી હતી.. તે સમયે આરોપીએ સગીરાને પોતાના ભાણા લલ્લન સાથે લગ્નની લાલચ આપી, સાથે જ નોકરી અપાવવાનો વચન આપી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતાં. બાદમાં સગીરા નેપાળ પોતાના પરિવાર પાસે જતી રહી હતી. જોકે થોડા સમય બાદ તે પરત અમદાવાદ આવતા હવસખોર નરેશ ફરી વખત તેના સંપર્કમાં આવ્યો. અને અવારનવાર તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતાં. જેથી પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી બળાત્કારી મહંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
લોકોમાં મહંત સામે આક્રોશ
અસારવા વિસ્તારના કબીર મંદિરના મહંતની કાળી કરતૂતો જ્યારે સામે આવી ત્યારે, ટોળાએ તેને માર પણ માર્યો હતો. જોકે પોલીસ તપાસમાં માર ખાનાર મહંત બળાત્કારનો આરોપી હોવાનું સામે આવતા, પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે..