12

કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા 500 કરોડના ભ્રષ્ટાચારના આરોપ પર રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે અને આ આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો છે. તેમણે કહ્યું, કોંગ્રેસ મારા પર ખોટો આક્ષેપ કરી રહ્યું છે. તે હવે એક ડૂંબતુ જહાજ છે. આ રીતે મારા પર આક્ષેપો કરી મને બદનામ કરવાનું આ કોંગ્રેસનું ષડયંત્ર છે.
મને બદનામ કરવાનું આ રાજકીય કાવતરું
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં જે સમયે રૂપાણી સરકાર હતી તે દરમિયાન 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસના નેતાઓએ આરોપ મુક્યો હતો. આવો આરોપ પ્રદેશ કોંગ્રેસ (Congress)ના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને ઉપનેતા શૈલેષ પરમારે લગાવ્યો હતો. જે બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. ભૂતપૂર્વ CMએ આ આરોપને પાયાવિહોણા ગણાવતા સ્પષ્ટતા કરી છે કે, મારા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવીને બદનામ કરવાનું આ રાજકીય કાવતરું થઇ રહ્યું છે. કોંગ્રેસનું જહાજ હવે ડૂબી રહ્યું હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કોંગ્રેસની ચાલ છે.
મારા પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા
વિજયભાઈ રૂપાણીએ અમેરિકાથી આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યુ કે, મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકામાં રહે છે, છેલ્લા અગિયાર વર્ષોથી અમેરિકા જઈ શકાયું નથી, આજ સુધી પરિવાર સાથે રહેવાનો મોકો બહું ઓછો મળ્યો છે. હવે મુખ્યમંત્રીપદમાંથી રાજીનામું આપ્યા બાદ થોડો સમય હોવાથી અમેરિકા ગયો છું. સાડા પાંચ દસકથી સતત સેવાકીય – રાજકીય પ્રવૃત્તિ સાથે સંકલાયેલો છું. મારા પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. મેં નિસ્વાર્થપણે સૌના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે, જમીન જ કુલ 75 કરોડની છે તો પછી 500 કરોડનું કૌભાંડ કેવી રીતે થઈ શકે? મહત્વનું છે કે, વિજય રૂપાણીએ પત્ર ટ્વીટ કરીને તમામ આરોપોને નકાર્યા હતા.
શું છે સમગ્ર મામલો
મહત્વનું છે કે, ગાંધીનગરમાં કોંગ્રેસના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ઉપેનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ યોજેલી પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે, રાજકોટના આણંદપર, નવાગામ અને માલીયાસણના જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના નેતાઓએ આચર્યુ હતુ. તેઓએ કહ્યું હતું કે, ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડોની એક પછી એક પોલ ખુલવા લાગી છે. આ સમગ્ર બાદ વિજય રૂપાણીએ પત્ર ટ્વીટ કરીને કોગ્રેસને જવાબ આપ્યો છે.