54

યુક્રેન – રશિયા વચ્ચે તોળાતા યુધ્ધના સંકટ વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને વતન પરત લઇ આવવાની કામગીરી શરૂ કરી છે. એર ઈન્ડિયાએ વિશેષ મિશન માટે 200થી વધુ સીટર ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે અને તેમને યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું હતું. યુક્રેનના ખાર્કિવથી લગભગ 242 ભારતીય વિદ્યાર્થીનીઓને લઈને આ ફ્લાઈટ મંગળવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ફ્લાઈટ રાત્રે 10.15 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી પરંતુ ફ્લાઈટ મોડી પહોંચી હતી.
25 ફેબ્રુઆરીએ રવાના થશે બીજી ફ્લાઇટ
યુક્રેનમાં સતત વધી રહેલા તણાવને લઈને ભારતે વધારાની ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, કિવથી દિલ્હીની વધારાની ફ્લાઈટ્સ 25 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી (બે ફ્લાઈટ્સ) અને 6 માર્ચ, 2022ના રોજ ઓપરેટ થશે.
ભારતીય નાગરિકોને યુક્રેઇન છોડવા અપીલ
યુક્રેનમાં યુધ્ધના તોળાતા સંકટ વચ્ચે ભારતે ફરી એકવાર અપીલ કરી છે કે, ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ તાત્કાલિક યુક્રેન છોડી દેવું જોઈએ. યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા ફરી એકવાર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવાની અપીલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન ક્લાસની સત્તાવાર પુષ્ટિને બદલે તેમના વતન પાછા ફરવું જોઈએ.
દૂતાવાસે કહ્યું કે તેને મોટી સંખ્યામાં કોલ આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ મેડિકલ યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન ક્લાસની પુષ્ટિ કરવા વિશે પૂછી રહ્યા છે. દૂતાવાસે કહ્યું છે કે, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસ્થાયી રૂપે પાછા ફરવું જોઈએ. શિક્ષણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય દૂતાવાસ સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.