16

ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર દીપક ચહર ઈજાના કારણે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. દીપક ચહર તાજેતરમાં વિન્ડીઝ સામેની T20 શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો.
ભારતીય ઝડપી બોલર દીપક ચહર હેમસ્ટ્રિંગની ઈજાને કારણે શ્રીલંકા સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ફોર્મમાં ચાલી રહેલા ઝડપી બોલર ચહરને રવિવારે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ દરમિયાન ઈજા થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તે આ શ્રેણીથી બહાર થઇ ગયો છે અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં તેનું Rehabilitation પૂર્ણ કરશે. માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ચહર ફિટ છે કે કેમ તે જોવાનું બાકી છે. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર હવે સીધો IPLમાં રમતો જોવા મળશે. IPLમાં CSK વતી રમતા દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ યુવા ઝડપી બોલર ભૂતકાળમાં CSK તરફથી રમી રહ્યો છે.
એક અધિકારીએ કહ્યું, “ટીમે કોઈ વિકલ્પ માંગ્યો નથી કારણ કે વાઇસ-કેપ્ટન જસપ્રિત બુમરાહ પહેલેથી જ ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે.” શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી ગુરુવારથી લખનઉમાં શરૂ થશે. શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયા લખનઉ પહોંચી ગઈ છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ રમાશે. ત્યાર બાદ બીજી મેચ 26મીએ ધર્મશાળામાં અને ત્રીજી મેચ પણ 27મી ફેબ્રુઆરીએ ધર્મશાળામાં જ રમાશે.
ભારત – શ્રીલંકા T20 સીરિઝ શેડ્યૂલ
24 ફેબ્રુઆરી – પહેલી T20, લખનઉ
26 ફેબ્રુઆરી – બીજી T20, ધર્મશાલા
27 ફેબ્રુઆરી – ત્રીજી T20, ધર્મશાલા
ભારતની T20 ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), વેંકટેશ ઐયર, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.