22

અમદાવાદના એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી મામલે ઝડયાયેલા આફ્રિકન પુરુષ અને મહિલાની મેડિકલ તપાસમાં તેઓના શરીરમાંથી હેરોઈનની 1.8 કિલો વજનની કેપ્સૂલ કાઢવામાં આવી છે. મહત્વનું છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે 13 ફેબ્રુઆરીએ શારજહા એરપોર્ટથી અમદાવાદ આવેલા યુગાન્ડાના પુરુષને ઝડપ્યો હતો, જે પુરુષને સ્કેનિંગમાં તપાસવામાં આવતા તેના શરીરમાં નાની નાર્કોટિક્સ ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ હોવાનું બહાર આવ્યું હતું.
15મી ફેબ્રુઆરીએ તેજ રૂટ ઉપરથી અમદાવાદ એરપોર્ટ એક મહિલા પહોંચી હતી, જે મહિલા પણ એરપોર્ટ પર સ્કેનિંગમાં દેખાતા તેના શરીરમાં પણ ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ હોવાનું જાણવા મળ્યું હતું. બન્ને આરોપીઓને સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સીટી સ્કેન કરાતા તેઓના પેટમાં અને ગુદા માર્ગમાં કેપ્સૂલ દેખાઈ હતી.
સિવિલ હોસ્પિટલમાં બન્ને આરોપીઓના શરીરમાંથી 165 જેટલી કેપ્સ્યૂલમાંથી 1.8 કિલો હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી આ મામલે ગુનો નોંધી બન્ને આરોપીઓની એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તો આ બન્ને આરોપીઓ અગાઉ અમદાવાદ કેટલી વાર આવ્યા અને ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.