15

અમદાવાદમાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાની ઘટનામાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. નરોડાના મુઠિયા ગામે પોલીસકર્મીને દોડાવી દોડાવી માર મારવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. અને મુઠીયા ગામમાં જ પોલીસે તેમનું સરઘસ કાઢ્યું. નરોડાના મુઠીયા ગામમાં પોલીસને દોડાવી-દોડાવીને માર મારવાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે નરોડા મુઠીયા શાંતિપથ રેસિડેન્સી સામેના ખુલ્લા મેદાનમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી જયેશ ઉર્ફે જીગ્નેશ સોલંકી, બળદેવભાઈ મોહનભાઇ સોલંકી અને ઉમેશ બબલુભાઇ વણજારા સહિત અન્ય 3 આરોપીની ધરપકડ કરી છે.
26મી જાન્યુઆરીએ નરોડાના મુઠિયા ગામમાં રહેતા અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અનિલ સોલંકી અને તેનો ભાઇ સંજય સોલંકીને પકડવા નરોડા સર્વેલન્સ સ્કોર્ડનો સ્ટાફ નરોડા મુઠીયા ગામમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે આરોપી અનિલને પકડી પાડતા તેણે બૂમાબૂમ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તેના ભાઇઓ અને પિતા તથા ચાલીના 10થી વધુ માણસો ભેગા કરી તમામ લોકોએ પોલીસકર્મીઓ ઉપર જીવલેણ હુમલો કરી રોડ પર દોડાવીને માર માર્યો હતો. આરોપી સંજય સોલંકીએ લોખંડના હથોડાથી પોલીસકર્મી પર માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાનાની કોશિશ કરી હતી. પોલીસ પર હુમલો કરી તમામ આરોપીઓ નાસી છૂટયા હતા. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને આરોપીઓનો વીડિયો વાયરલ થયો હતો. જો કે સમગ્ર કેસ ક્રાઇમબ્રાન્ચને વધુ 3 આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.
ક્રાઈમ બ્રાન્ચે મુઠિયા ગામના શાંતિપથ રેસિડેન્સીના મેદાનમાંથી આરોપી અનિલ ઉર્ફે કાળીના ભાઈ જયેશ ઉર્ફે જિગ્નેશ સોલંકી તેના પિતા બળદેવભાઈ સોલંકી તથા અન્ય એક આરોપી ઉમેશ વણઝારાને ઝડપી નરોડા પોલીસને સોંપી દીધા છે. જો કે સમગ્ર ગુનામાં મુખ્ય સુત્રધાર અનિલ ઉર્ફે કાળી અને સંજય સહિત 10 આરોપીઓ ફરાર હતા. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અનિલ ઉર્ફે કાલી સોલાંકી, પંકજ ઠાકોર અને ભોલે ઉર્ફે નવદીપ શીંદેની પોલીસે ધરપકડ કરી છે. કુલ 6 આરોપીની ધરપકડ કરી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.